ENTERTAINMENT INDIA

નેહા મહેતાનું શો છોડીને જવાનુ સાચું કારણ આવ્યું સામે,આસિત મોદીએ જણાવ્યું કે..

હાલમાં જ લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલિભાભીનો રોલ પ્લે કરનાર નેહા મેહતાએ આ શો છોડી દીધો હતો. નેહાએ શો છોડ્યા પછી કહ્યું હતું કે પ્રોડ્યુસર અસિત મોદી સાથે અણબનાવ હતો અને તેણે શો છોડવાનો નિર્ણય લીધો હતો. જોકે અસિત મોદીએ હવે નેહાની આ વાતનો જવાબ આપ્યો છે. અસિત મોદીએ કહ્યું હતું કે નેહા જ આ શોમાં રહેવા માગતી નહોતી અને તેથી જ તેને જવા દીધી.

વધુમાં અસિત મોદીએ કહ્યું હતું, ‘અમે તેનું તથા તેના નિર્ણયનું સન્માન કરીએ છીએ. તે લાંબા સમયથી આ શો સાથે જોડાયેલી હતી. આ વાતમાં કોઈ શંકા નથી કે તેણે આટલાં વર્ષોમાં પોતાનું બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું હતું. મારું કામ ટીમને એક તાંતણે બાંધીને રાખવાનું છે. આટલી મોટી ટીમ છે અને આ મારો પરિવાર છે. કોઈ શો છોડે છે તો ખરાબ લાગે છે, પરંતુ હું કંઈ કરી શકું તેમ નથી. શોનું શૂટિંગ શરૂ થયું પછી અમે નેહા મેહતા સાથે વાત કરી હતી અને તેને સમજાવવાનો ઘણો જ પ્રયાસ કર્યો હતો. જોકે તેણે ત્યારે જ સ્પષ્ટ કર્યું હતું કે તે આ શોમાં પરત આવવા માગતી નથી. ત્યારે જ અમે અંજલિ મેહતાના રોલ માટે નવા કલાકારની શોધ કરી હતી. બસ, આ જ વાત છે. અમે નવા કલાકારને લીધો અને તે સારું કામ કરે છે. કોઈ કલાકારને લીધા બાદ તેને તે પાત્રમાંથી હટાવી દેવા અથવા તો કાઢી મૂકવા શક્યા નથી.’

બંને વચ્ચે થયેલા અણબનાવ પર અસિત મોદીએ કહ્યું હતું, ‘જુઓ, નાની-મોટી વાત તો થતી હોય છે અને આવું કયા પરિવારમાં નથી થતું. આ બધું તો બે ઘડીની વાત છે. અમે બધા ભૂલીને આગળ વધીએ છીએ અને ખુશીથી રહીએ છીએ. દરેક વસ્તુનું સોલ્યુશન હોય છે. જો ક્યારેક અણબનાવ હોય તો હું તેમને સમજાવું છું. તેમની સાથે વાત કરું છું. મેં નેહા સાથે પણ વાત કરી હતી, પરંતુ તે શોમાં કામ કરવા તૈયાર નહોતી, આથી હું કંઈ જ કરી શકું તેમ નહોતો.’ ઉલ્લેખનીય છે કે હાલમાં નેહા મેહતાના સ્થાને સુનૈના ફોજદાર અંજલિભાભીનું પાત્ર ભજવે છે.

નેહા મેહતાએ શું કહ્યું હતું?
નેહા મેહતાએ કહ્યું હતું, ‘ક્યારેક સેટ પર ગ્રુપીઝમ થાય છે અને કેટલીક બાબતોમાં તમે ચૂપ રહીને જવાબ આપો એ જ સારું છે. હું અહીં એ કહેવા નથી માગતી કે હું સ્પર્ધા, ઈર્ષ્યા, પાવર ગેમ તથા અહંકારની શિકાર બની હતી અને આ બધી બાબતો માણસને અંધ બનાવે છે. મને લાખો લોકો પાસેથી પ્રશંસા મળી છે અને અનેક લોકોએ મારામાંથી પ્રેરણા લીધી છે. મારી જવાબદારી છે કે હું વસ્તુઓને ખોટી રીતે પ્રેરિત કરું નહીં. વધુમાં, જો તમે આ અંગે વધુ જાણવા માગશો તો કોઈપણ એ વાત સ્વીકારશે નહીં કે તેઓ ખોટા છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *