GUJARAT INDIA

જાહેરસભામાં સી.આર.પાટીલે વિજય રૂપનીના મુખ્યમંત્રીના પદને લઈને કર્યો મોટો ખુલાસો

મંત્રીમંડળમાં ફેરફાર, મુખ્યમંત્રી બદલાવવાની તથા રૂપાણી-પાટીલ વચ્ચેની કૉલ્ડવૉરની ચર્ચા પર ભાજપ-અધ્યક્ષ સી.આર. પાટીલે લીંબડીની જાહેરસભામાં પૂર્ણવિરામ મૂકી સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે વિજય રૂપાણી મુખ્યમંત્રી છે અને આગામી સમયમાં પણ મુખ્યમંત્રી જ રહેશે. મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરસભામાં ભાજપ સરકારનાં પ્રજાલક્ષી કાર્યો વર્ણવીને કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે કૃષિ બિલ પસાર કરી ખેડૂતો માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. મહાત્મા ગાંધીની કૉંગ્રેસ તો ક્યારની સમાપ્ત થઈ ગઈ છે. આ તો રાહુલ ગાંધીની કૉંગ્રેસ છે. ગુંડાઓ અંગે અમે કાયદો લાગુ કર્યો હતો ત્યારે કૉંગ્રેસે એનો વિરોધ કર્યો હતો. ગુંડાઓ શું કૉંગ્રેસના માસીના દીકરા છે?

બીજી તરફ, લોકસભાની ટિકિટ કપાતાં ભાજપ સામે બાંયો ચડાવનારા પૂર્વ સાંસદ દેવજી ફતેપરાની હાજરીથી ભાજપમાં જ આશ્ચર્ય સર્જાયું હતું. સભા શરૂ થઈ ત્યારે ફતેપરાને સ્ટેજ ઉપર સ્થાન મળ્યું નહોતું, પરંતુ મુખ્યમંત્રીની નજર પડ્યા બાદ સ્ટેજ પર બોલાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ચેક રિટર્ન કેસમાં કોર્ટે દેવજી ફતેપરાને 3 વર્ષની જેલની સજા ફટકારી હતી.

રાજીવ સાતવનો ટોણો: ‘ભાઉ’ અને ‘ભાઈ’ની લડાઇમાં બિચારા ‘કાકા’ પિસાઈ રહ્યા છે
કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવ રાજ્યની પેટાચૂંટણીના પ્રચાર માટે પ્રવાસ કરી રહ્યા છે. એ દરમિયાન તેમણે કહ્યું હતું કે ‘ભાઉ’ અને ‘ભાઈ’ની લડાઇમાં બિચારા કાકા પિસાઇ રહ્યા છે. કોંગ્રેસ પ્રભારીએ આમ કહીને ભાજપ-અધ્યક્ષ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે લડાઇ ચાલી રહી છે અને એમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મૂંઝવણ અનુભવી રહ્યા છે તેવો ઇશારો કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *