GUJARAT RAJKOT

નવજાત બાળકને ડોક્ટરે મૃત જાહેર કર્યો, અંતિમસંસ્કાર માટે ખાડો ખોદતા હતા ત્યાંજ શિશુ એ લીધો શ્વાસ અને પછી…

રાજકોટમાં રવિવારે જન્મની થોડી જ મિનિટોમાં નવજાત બાળકને કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં ડોક્ટરે મૃતજાહેર કર્યું હતું, પરિવારજનો બાળકના મૃતદેહને લઇને સ્મશાને પહોંચ્યા હતા, મૃતદેહને દફનાવવા માટે અડધો ખાડો ખોદાયો હતો ત્યાં જ બાળકે શ્વાસ લીધો હતો, બાળકના ધબકારા શરૂ થતાં જ સ્મશાને હાજર તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા હતા અને તાકીદે બાળકને ફરીથી હોસ્પિટલે લઇ જવાયું હતું, મૃત જાહેર કરાયા બાદ એ બાળક 14 કલાક જીવ્યું હતું અને અંતે અંતિમ શ્વાસ લીધા હતા. જીવિત બાળકને 14 કલાક પૂર્વે મૃત જાહેર કરનાર મહિલા ડોક્ટર સામે તપાસના આદેશ કરાયા હતા.

કોડીનારમાં રહેતા પોલીસમેન પરેશભાઇ ડોડિયાનાં પત્ની મીતલબેનને પ્રસૂતિની પીડા ઊપડતાં તેમને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. રવિવારે રાત્રે એકાદ વાગ્યે મીતલબેને પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો હતો. અધૂરા માસે ટ્વિન્સની પ્રસૂતિ થઇ હોવાથી બંને બાળકોનું વજન ઓછું હતું, બાળકી અને બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી બંનેને કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. થોડી મિનિટોની સારવાર બાદ ફરજ પરના મહિલા તબીબે બાળકને મૃત જાહેર કર્યું હતું. પુત્રને મૃત જાહેર કરતાં પરિવારજનો શોકમાં ડૂબી ગયા હતા.

નવજાત બાળકના મૃતદેહને દફનાવવા માટે ડોડિયા પરિવારના બે સભ્ય હોસ્પિટલમાં રિક્ષા રાખીને બેસતા અનવરભાઇની રિક્ષામાં એંસી ફૂટ રોડ પર આવેલા સ્મશાને ગયા હતા. નવજાત બાળકના મૃતદેહને દફનાવવા માટે ખાડો ખોદવામાં આવી રહ્યો હતો, અડધો ખાડો ખોદાયો હતો અને બાળકને દફનાવવાની તૈયારી ચાલી રહી હતી. એ વખતે જ બાળકે શ્વાસ લીધા હતા, બાળકે હાથપગ હલાવતાં જ પરિવારના સભ્યો, રિક્ષાચાલક અને સ્મશાને હાજર લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા, પળનો પણ વિલંબ કર્યા વગર રિક્ષાચાલક અનવરભાઇ નવજાત બાળકને લઇને ફરીથી કે.ટી.ચિલ્ડ્રન હોસ્પિટલે પહોંચ્યા હતા અને બાળકને એનઆઇસીયુમાં દાખલ કરાવ્યું હતું.

બાળકની સારવાર ચાલુ હતી, સ્મશાનથી બાળક જીવિત આવતાં ડોડિયા પરિવારે આને કુદરતનો કરિશ્મા ગણાવ્યો હતો અને ફરીથી તમામ લોકોની આંખમાં હર્ષના આંસુ વહેવા લાગ્યા હતા, પરંતુ આ ખુશી પણ લાંબો સમય ટકી નહોતી, સોમવારે બપોરે 3 વાગ્યે બાળકને ફરીથી મૃત જાહેર કરવામાં આવ્યું હતું અને તેની દફનવિધિ કરવામાં આવી હતી. આ ઘટનામાં બેદરકારી દાખવનારાં મહિલા તબીબ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *