GUJARAT INDIA

કાળ બનતા કોરોનાને લઈને વિજય રૂપાણીએ પીએમ મોદીને આપી આ મહત્વની માહિતી-જાણો વિગતે

ગુજરાતમાં કોરોના સામેની લડત અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને માહિતી આપી હતી. આજે આઠ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિનો પ્રતિકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલાં અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવેલી આ ચર્ચામાં ગૃહ મંત્રી અમિત શાહે પણ ભાગ લીધો હતો.

અત્યાર સુધીમાં 104 હેલ્પલાઇન સેવાનો ર.78 લાખથી વધુ લોકોએ લાભ મેળવ્યો છે. તેમ જ 1700 ધનવંતરી રથ દ્વારા ડોર સ્ટેપ ઓ.પી.ડી સેવાઓ ઘર આંગણે આપવામાં આવી છે. દેશભરમાં ગુજરાતની પહેલરૂપ સંજીવની કોરોના ઘર સેવા અન્વયે અમદાવાદમાં 700 સંજીવની રથ દ્વારા ત્રણ હજાર કોલ્સ એટેન્ડ કરાયા હતા.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ બેઠકમાં ગાંધીનગરથી સહભાગી થતાં ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી કોરોના સંક્રમણ કેસોમાં થયેલા વધારા સામે રાજ્ય સરકારની આરોગ્ય સુવિધા-સારવાર વ્યવસ્થાની વિસ્તૃત જાણકારી પ્રધાનમંત્રીને આપતા જણાવ્યું હતું કે કોરોનાના આ વધેલા કેસોને ધ્યાને લઇને રાજ્ય સરકારે અમદાવાદ તેમજ અન્ય શહેરોમાં કોવિડ બેડની સંખ્યા વધારી દીધી છે.રાજ્યમાં કોઇ જ સંક્રમિત વ્યકિતને સારવાર માટે બેડના અભાવે વંચિત રહેવું ન પડે તે હેતુસર સંપૂર્ણ વ્યવસ્થાઓ સરકારે કરી છે.

કોરોના સંક્રમિત દરદીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં વિલંબ ન થાય અને ત્વરિત દાખલ કરાવી સારવાર શરૂ થઇ શકે તે માટે 108 એમ્બ્યુલન્સ સેવાઓ વધુ પ્રભાવી બનાવી છે.એટલું જ નહિ, સંક્રમિત દરદીના હોસ્પિટલ પહોચતાં પૂર્વે જ તેના માટે બેડ, તબીબો અને આરોગ્ય સેવાઓ તૈનાત રખાય છે જેથી સારવારમાં કોઇ વિલંબ ન થાય.

ગુજરાતે 104 ફિવર હેલ્પલાઇનનો જે પ્રયોગ સફળતાપૂર્વક અપનાવ્યો છે તેની વિગતો પણ આ વિડીયો કોન્ફરન્સમાં આપી હતી. આ સેવા અંતર્ગત લોકોને ઘરે બેઠા જ કોવિડ અંગે પરામર્શ તેમજ આરોગ્ય સેવા મળી રહે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ર.78 લાખ લોકોએ આ 104 હેલ્પલાઇનનો લાભ મેળવેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *