GUJARAT

ગેસ એજન્સીના આડમાં કાળા કામ: ગોડાઉનમાં લાખોનો દારૂ-બિયરનો જથ્થો પકડાયો-જાણો સંપૂર્ણ ઘટના

જૂનાગઢ તાલુકાના બિલખાના રાવતપરા વિસ્તારમાં આવેલા ગેસ એજન્સીના ગોડાઉનમાં સ્ટેટ વિજીલન્સે દરોડો પાડી ત્યાંથી ૩૫.૬૩ લાખની કિંમતનો ૧૦૪૭૧ બોટલ દારૂ તથા ૨૨૩૨ ટીન બિયરનો જથ્તો સાથે એક શખ્સને પકડી લીધો હતો. જયારે ચાર પાંચ શખ્સ નાસી ગયા હતાં. દારૂ વાહન તથા મોબાઈલ મલીકુલ ૫૬.૧૫ લાખનો મુદામાલ કબ્જે કરી પકડાયેલા શખ્સની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ તાલુકાનાં બિલખામાં બગસરા રોડ પર આવેલા ગેસ એજન્સીના ગોડાઉનમાં દારૂ ભરેલો ટ્રક આવતો હોવાની અને ત્યાં દારૂ ઉતારવામાં આવતો હોવાની સ્ટેટ વિજીલન્સને બાતમી મળી હતી. જેના આધારે ગઈકાલે સ્ટેટ વિજીલન્સના સ્ટાફે આ બાતમી અંગેનું વેરિફિકેશન કર્યુ હતું. અને વોચ ગોઠવી હતી.

ગત મોડી રાત્રીના સ્ટેટ વિજીલન્સના સ્ટાફે આ ગેસ એજન્સીના ગોડાઉનમાં દરોડો પાડયો હતો. પરંતુ ત્યાં હાજર ચાર – પાંચ શખ્સ પોલીસને જોઈ નાસી ગયા હતાં. જયારે રણજીત બસીયા નામનો શખ્સ પકડાયો હતો. સ્ટેટ વિજીલન્સના સ્ટાફે આ સ્થળે તપાસ કરતા ત્યાંથી ૩૫.૬૩ લાખની કિંમતનો ૧૦૪૭૧ બોટલ વિદેશી દારૂ તેમજ ૨૨૩૨ ટીન બિયરનો જથ્થો મળી આવ્યો હતો. ગેસ એજન્સીના ગોડાઉનમાંથી આટલા મોટા પ્રમાણમાં દારૂ બિયરનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સ્ટેટ વિજીલન્સના સ્ટાફે ૩૫.૬૩ લાખની કિંમતનો દારૂ તથા બિયર, ૨૦.૩૦ લાખની કિંમતના ટ્રક સહિતના વાહનો તેમજ ૧૫ હજારની કિંમતના સાત મોબાઈલ ફોન મળી કુલ ૫૬.૧૫ લાખનો મુદામાલ કબ્જે કરી પકડાયેલા શખ્સની પૂછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *