INDIA

દેશના આ રાજ્યોમાં અતિ ભારે પવન સાથે ત્રાટક્યું નિવાર વાવાઝોડું-જુઓ તસ્વીરો

તામિલનાડુમાં મોડી રાત્રે નિવાર વાવાઝોડુ ત્રાટક્યું હતુ. વાવાઝોડામાં પવનની ગતી ૧૨૦થી ૧૩૦ કિમી પ્રતિ કલાકની હતી. ખાસ કરીને તામિલનાડુમાં સમુદ્રી વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઇ હતી. એક લાખથી વધુ લોકોને અગાઉથી જ સલામત સ્થળે ખસેડી લેવાયા હતા. જ્યારે પુડ્ડુચેરીમાં પણ તામિલનાડુ જેવી જ સ્થિતિ છે.

હાલ નિવાર વાવાઝોડાની અસર તામિલનાડુ, પુડ્ડુચેરી, આંધ્ર પ્રદેશ ઉપરાંત કર્ણાટકમાં પણ જોવા મળી હતી. સાથે જ પાડોશી રાજ્યોમાં પણ વરસાદની શરૃઆત થઇ ગઇ હતી. પહેલાથી જ પુડ્ડુચેરીને ત્રણ દિવસ માટે બંધ કરી દેવાયું હતું અને માત્ર દુધ અને મેડિકલ જેવી જરુરી બાબતોની દુકાનોને જ ખોલવાની છુટ આપી હતી. તામિલનાડુમાં ચેન્નાઇ એરપોર્ટને બંધ કરી દેવાયું હતું અને રેલવે વ્યવહાર પણ હાલ થંભી ગયો હતો.

વાવાઝોડાની ગતી વધુ હોવાથી અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઇ ગઇ હતી જ્યારે કેટલાક વિસ્તારોમાં રસ્તા પર જ વૃક્ષો પડી જતા તેને હટાવવામાં આવી રહ્યા છે. સમુદ્રી કાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડાની ભારે અસર થઇ હતી, તામિલનાડુના ૧૩ જિલ્લાઓમાં રજા જાહેર કરવામા આવી હતી જેને પગલે બધા લોકો ઘરોમાં જ રહ્યા હતા. સાથે જ પુડ્ડુચેરી અને તામિલનાડુમાં કેટલાક એરપોર્ટને પણ બંધ કરવા પડયા છે અને અનેક ફ્લાઇટોને રદ કરી દેવામાં આવી હતી. તામિલનાડુમાં સાંજથી જ વરસાદ પડવાનું શરૃ થઇ ગયું હતું. બાદમાં મોડી રાત્રે વાવાઝોડુ ત્રાટક્યું હતું અને ભારે તારાજી સર્જી હતી. જ્યારે કાશ્મીરમાં સતત ત્રીજા દિવસે હિમવર્ષા થઇ હતી.

રાજસ્થાનમાં રાત્રી દરમિયાન તાપમાનનો પારો ગગડયો હતો અને દાબોક વિસ્તારમાં તાપમાન ૯.૪ ડીગ્રી રહ્યું હતું. ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ છે. ચુર્કમાં તાપમાન ૫.૬ ડીગ્રીએ પહોંચી ગયું હતું. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે લોકોમાં હાલાકી જોવા મળી હતી. અહીં કાલપામાં ૧૫ સેમી જેટલો બરફ પડયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *