GUJARAT INDIA SURAT

સુરતની દિવ્યાંગ મહિલાએ ઉધાર જમીન લઈને કરી બતાવ્યું કે બધા જોતા રહી ગયા

સતત ત્રણ વર્ષ સુધી નિષ્ફળતા મળી હોવા છતાં લતાબેન હિંમત હાર્યા નહોતા. ખેતી શરૂ કર્યાના બે વર્ષ પછી તો તેમના પતિનું નિધન થયું હતું. આકરી મહેનત અને ધગશના કારણે અંતે તેમને સફળતા મળવા લાગી. એક પગમાં તકલીફ હોવા છતાં તેઓ હિંમત હાર્યા નહોતાં. લતાબેને ઓર્ગેનિક ફાર્મિંગ કર્યું હતું. અત્યારે તેઓ વર્ષે 22 લાખ સુધીનો પાક લે છે. અને હવે તેઓ 100થી વધુ ખેડૂતોને સાંકળીને સહકારી મંડળીની શરૂઆત કરવા જઈ રહ્યાં છે. તેમણે એક ગાયથી શરૂઆત કરી હતી. આજે તેમની પાસે 15થી વધુ ગાયો છે. ખાતર બનાવવા માટે તેમણે ગાયો રાખવાનું શરૂ કર્યું હતું.

લતાબેન પટેલ એક એવી મહિલા છે જેણે શારીરિક અંતરાયો હોવા છતાં પણ મક્કમ નિર્ધાર અને ધગશ થકી સફળતા મેળવી છે એટલું જ નહીં અનેક લોકો માટે આજે ઉદાહરરૂપ બન્યાં છે. સુરતના ઓલપાડ તાલુકાના મંદરોઈ ગામના વતની લતાબેન પટેલ દિવ્યાંગ છે. એકમાત્ર સંતાન હોવાથી તેમને પરિવારના વારસાની 20 વીઘા વેરાન જમીન મળી હતી. આ બિનઉપજાઉ જમીનમાં અત્યાર સુધી કશું જ પાકતું નહોતું. લતાબેને આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી ઓર્ગેનિક ખેતીની ટ્રેનિંગ લીધી અને 10 હજાર રૂપિયા ઉછીને લઈને ખેતી કરવાની શરૂઆત કરી.

ખેતીમાં સફળતા મળ્યા બાદ લતાબેને હવે આસપાસના ખેડૂતોની સાથે મળીને પોતાની ઓર્ગેનિક ફૂડ બ્રાન્ડ બનાવવાની તૈયારી કરી છે. તેમાં 100 ટકા ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને સામેલ કરવામાં આવશે. એટલું જ નહીં અહીં પાકતા શાકભાજી, ફળો તથા અનાજને પેક કરવા માટે પેકેજિંગ અને એસેમ્બલી લાઇન પણ શરૂ કરવાની તેમની યોજના છે. અહીં પાકતી ચીજવસ્તુઓને સુરત, વડોદરા અને અમદાવાદ મોકલવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *