GUJARAT INDIA

“પ્રજા જીવન-મોત વચ્ચે ડોલે છે અને પાટીલ હજુ જૂઠું બોલે છે”,પાટીલ એ મોકલેલા ઈન્જેકશન અહીંયા થી આવ્યા છે

ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ દ્વારા સુરતના લોકોને 5000 ઈન્જેક્શન આપવાની જાહેરાત કરાયા પછી ભાસ્કરમાં પ્રકાશિત તેમનો મોબાઈલ નંબર આખો દિવસ એન્ગેજ રહ્યો. બીજી તરફ, એવો દાવો કરાયો કે આ ઈન્જેક્શન બીજાં રાજ્યોમાંથી લવાયાં હતાં, જ્યારે ભાસ્કરની તપાસમાં ખબર પડી કે આ ઈન્જેક્શન અમદાવાદની ઝાયડસ કંપનીનાં જ છે. તસવીરમાં દેખાતાં ઇન્જેક્શનની બેચ નંબર V100122 છે, જે આધારે એ ગુજરાતમાં વેચાયા છે કે બહાર એ કંપની કહી શકે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મફત રેમડેસિવિર ઇન્જેક્શન આપવાની જાહેરાતને પગલે ભારે વિવાદ થયો છે. જોકે સતત બીજા દિવસે રવિવારે પણ 800થી 1000 લોકોને ઇન્જેક્શન મફત આપવામાં આવ્યાં હતાં. સોમવારે ઇન્જેક્શન આપવા અંગે અસમંજસ છે. જથ્થો આવશે તો વિતરણ કરાશે એવું ભાજપના નેતાઓનું કહેવું છે. બીજી તરફ, ઇન્જેક્શન વિવાદને પગલે મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ રવિવારે દાવો કર્યો હતો કે જે રાજ્યમાં કોરોનાના કેસ નથી એ રાજ્યમાંથી અમે પૈસા ચૂકવીને ઇન્જેક્શન ખરીદ્યાં છે અને લોકોની સેવા માટે મફત આપ્યાં છે. તેમાં અમે કંઇ પણ ખોટું કર્યું નથી કે પાપ કર્યું નથી.

ઇન્જેક્શન ક્યાંથી આવ્યાં એ અંગે ખરાઈ કરતાં સ્પષ્ટ થયું હતું કે મફતમાં વહેંચવામાં આવેલાં ઇન્જેક્શન અમદાવાદની ઝાયડસ કંપનીનાં જ છે. શનિવારે સુરત શહેર ભાજપના નેતાઓ દ્વારા ઇન્જેક્શનનાં બોક્સ ખોલવામાં આવ્યાં હતાં. બોક્સ પર જ ‘ઝાયડસ હેલ્થ કેર’ એવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે અને આ ઇન્જેક્શનનું પ્રોડક્શન માર્ચ મહિનામાં જ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શુક્રવારે ઝાયડસ કંપનીએ હવે પોતે ઇન્જેક્શનનું વેચાણ નહીં કરે એવી જાહેરાત કરી હતી. એ જ દિવસે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિત નેતાઓ દ્વારા સિવિલ હોસ્પિટલમાં મુલાકાત કરી હતી અને આ જ સમયે સુરતીઓને ઇન્જેક્શન મફત આપવાની જાહેરાત કરી હતી. માત્ર સુરતમાં જ નહીં, પરંતુ પાટીલે પોતાના મતક્ષેત્ર નવસારી ખાતે પણ ઇન્જેક્શન મોકલ્યા હતા.

સી.આર.પાટીલને અમે ઇન્જેક્શન આપ્યાં નથી, હું હોસ્પિટલમાં ડોકટર તરીકેની કામગીરી કરું છું, તેથી પ્રોડકશન અને વેચાણની વધુ માહિતી મારી પાસે નથી, પણ કંપનીએ કયા વિસ્તારમાં ઇન્જેક્શનનું વેચાણ કર્યું છે એની માહિતી સોમવારે પ્રોડકશન હાઉસમાં પૂછીને જણાવીશ, એમ ઝાયડસ હોસ્પિટલના સીઇઓ ડો.વી.એન.શાહે જણાવ્યું હતું.

કોંગ્રેસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પત્ર લખ્યો
કોંગ્રેસે આ સમગ્ર વિવાદમાં ભાજપ સરકારની ટીકા કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું કે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં જથ્થો ખૂટી પડ્યો છે. રિપોર્ટ અને તબીબી ભલામણ સિવાય અને દર્દીના ઓળખપત્ર વગર આ ઈન્જેકશન મળે જ નહીં એવી સ્થિતિમાં પાટીલ ઈન્જેકશન કયાંથી લાવ્યાં. આ અતિ ગંભીર સવાલ છે. આ તરફ કોંગ્રેસના ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી. જે. ચાવડાએ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરને પત્ર લખીને કહ્યું છે કે જેમ પાટીલે 5000 ઇન્જેક્શન સુરત માટે મેળવ્યાં તેમ 2,500 ઇન્જેક્શન કોંગ્રેસને ગાંધીનગર માટે આપવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *