GUJARAT

ગુજરાતમાં કોરોનાની કડી તોડવા લોકડાઉન જ એકમાત્ર વિકલ્પ બની શકે, કોર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય

ગુજરાત સરકારે સમીક્ષા શરૂ કરી છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ, ડોક્ટરની ટીમ, જિલ્લા, શહેરોની પરિસ્થિતિનો સંપૂર્ણ તાગ મેળવવાની સાથે વેપારી સંગઠનો સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે, જેને આધારે કોર કમિટીની સાંજની બેઠકમાં લોકડાઉન અંગેનો આખરી નિર્ણય કરવામાં આવે એવી શક્યતા છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કોરોનાની પરિસ્થિતિના આધારે લોકડાઉન લાદવાની જે-તે રાજ્યોને છૂટછાટ આપી હતી. એટલું જ નહીં, દિલ્હી, મહારાષ્ટ્ર જેવાં કોરોનાના કહેરમાં આવેલાં રાજ્યોએ કોરોના કાબૂમાં લેવા લોકડાઉનનો માર્ગ અપનાવ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસો વધતાં જે-તે શહેરો અને જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે, મોટા માર્કેટથી માંડીને નાની દુકાનોના સંગઠનો સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે છતાં ક્યાંક ને ક્યાંક કોરોનાની ચેન તોડવી મુશ્કેલ બની રહી છે;

સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને બેડ નથી મળી રહ્યા એવી સ્થિતિમાં દરેક નાગરિક પોતાની નૈતિક ફરજ સમજીને કોરોના સંક્રમણ અટકાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, જેની અસર શહેરભરમાં દેખાઈ રહી છે. શહેરમાં લોકોની અવરજવર ખૂબ જ ઓછી જોવા મળી રહી છે, જેથી લોકોએ સ્વૈચ્છિક લોકડાઉનનો સ્વીકાર કર્યો હોય એવું લાગી રહ્યું છે.સુરત શહેરમાં રોજના કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં રોજના 2000થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે, જેને ધ્યાનમાં રાખીને વિવિધ વેપારીમંડળો અને એસોસિયેશનો સ્વૈચ્છિક બંધ પાળવા માટે અપીલ કરી રહ્યાં હતાં.

અમદાવાદ શહેરના સાબરમતી, રાણીપ, ન્યુ રાણીપ, નિર્ણયનગર, કુબેરનગર અને સરદારનગર વિસ્તારમાં બપોરે ત્રણ વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે. જ્યારે વસ્ત્રાપુરમાં 30 એપ્રિલ સુધી બપોરે 2 વાગ્યા બાદ દુકાનો બંધ રહેશે. વસ્ત્રાપુર વેપારી એસોસિયેશન દ્વારા કરાઇ જાહેરાત છે.માણેકચોક ટી મર્ચન્ટ એસોસિયેશન પણ કોરોના સામેની લડાઈ માટે સ્વયંભૂ બંધમાં જોડાયું હતું અને પોતાનાં કામકાજથી અળગું રહ્યું હતું. આ સિવાય રિલીફ રોડથી લઈને કાલુપુર સુધીના રોડ પર આવેલાં ઇલેક્ટ્રોનિક્સ બજારના વેપારીઓ પણ આ સ્વૈચ્છિક બંધમાં બે દિવસ માટે જોડાયા હતા. કાલુપુરની ટંકશાળ માર્કેટના વેપારીઓએ પણ રવિવાર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *