GUJARAT INDIA

આ છે કોરોના નાં નવા લક્ષણો,જો આ પૈકી કઈ થતું હોય તો તરત રિપોર્ટ કરાવો

કોરોનાનાં નવાં લક્ષણો અંગે ભારતમાં સૌથી વધુ ઓટોપ્સી કરનાર રાજકોટ સિવિલ હોસ્પિટલના ડો.હેતલ ક્યાડાએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તાવ આવવો, અશક્તિ લાગવી, ગળું પકડાય જવું, 2થી 3 દિવસમાં દર્દીને ઝાડા થઇ જવા અને ઓક્સિજન લેવલ ઝડપથી નીચે સરકી જવું જેવાં નવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. કોરોનાની નવી લહેરની તીવ્રતા ખૂબ જ વધુ છે. પહેલાં આ વાયરસ 15 દિવસમાં બોડીમાં અસર કરતો હતો, પરંતુ હવે માત્ર 3 દિવસમાં શરીરના અવયવોને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે છે.

ડો.ક્યાડાએ વધુમાં જણાવ્યું હતું કે આ વાયરસ શરીરમાં ઝડપથી ફેલાય છે. એની સ્પીડ વધી છે. કોઇને પણ આવાં લક્ષણો દેખાય તો તાત્કાલિક રિપોર્ટ કરાવી લેવો જોઇએ. મૃત્યુઆંક વધી રહ્યો છે, એ પાછળનું કારણ આપતાં તેમણે જણાવ્યું હતું કે લોકો કોરોના વધુ ફેલાય ગયા બાદ સારવારમાં આવે છે અને અમુક લોકો પોતાની રીતે ઘરે સારવાર કરવા લાગે છે. ડોક્ટરની સલાહ મુજબ, રેમડેસિવિર ઇન્જેક્શનનો ઉપયોગ કરવો જોઇએ.

સિનર્જી હોસ્પિટલના સિનિયર ડોક્ટર જયેશ ડોબરિયાએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હવેનો કોરોના સમય આપતો નથી, કોરોનાનું ઇન્ફેક્શન પ્રમાણ ફાસ્ટ થઇ ગયું છે. અનેક કેસમાં ફેફસાંની બંને સાઇડ ન્યુમોનિયાનું પ્રમાણ વધી રહ્યું છે તેમજ શરીરમાં પ્લેટલેટ ઘટી જવા જેવી સમસ્યા પણ સામે આવી રહી છે. ડેંગ્યુ જેવાં લક્ષણો જોવા મળી રહ્યાં છે. આ સિવાય આંખમાં ખંજવાળ આવવી અને ચામડીમાં ફોલ્લા પડી જવા જેવાં લક્ષણો પણ જોવા મળે છે. અમુક લક્ષણોના લીધે હાર્ટ-અટેક અને પેરાલિસિસની શક્યતા વધી જાય છે.

ડોક્ટર ડોબરિયાએ વધુમાં જણાવ્યું હતું કે પહેલાં કરતાં હવેનો જે કોરોના છે એના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. હવેના કોરોનાનો વાઇરલ લોડ વધુ છે. એટલું નહીં, પરંતુ તેની શરીરમાં સ્પ્રેડ થવાની ક્ષમતા પણ વધી ગઇ છે. એકદમ ઝડપથી ઇન્ફેક્શન થાય છે અને ફેફસાં સુધી પહોંચી જાય છે. ન્યુમોનિયા થતાં વાર લાગતી નથી.

એક તરફ દર્દીની સંખ્યામાં પણ વધારો થાય છે અને ખાસ તો કો-મોર્બિડિટીના દર્દીઓને વધુ અસર થાય છે, જેમાં રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત ઊભી થાય છે. આવા દર્દીને ઓછામાં ઓછાં 6 ઇન્જેક્શન આપવાં પડે છે. જો દર્દીને વાઇરલ ઇન્ફેક્શન વધુ હોય તો 10 ઇન્જેક્શન સુધીનો કોર્સ કરવો પડે છે, જેથી કરીને હાલ 10 ટકા દર્દીને આવા ઇન્જેક્શનની જરૂર ઊભી થાય છે અને ઇન્જેક્શનની માગ વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *