GUJARAT

જરૂર હતી ત્યારે બારોબાર ઇન્જેક્શન આપ્યા અને હવે સેવાના નામે કોવિડ સેન્ટર ઊભાં કરી પ્રચાર કરી રહ્યા છે

કોરોનાની મહામારીમાં સરકારની પડખે રહીને સાથ આપવાને બદલે ભાજપ-પ્રમુખ સહિત સંગઠનના નેતાઓ સરકારની કામગીરીને નબળી બતાવી સંગઠનની કામગીરીનો પ્રચાર કરવા લાગ્યા છે, જેથી જનતા એવું માની રહી છે કે ભાજપ સંગઠન સરકારની સાથે રહેવાને બદલે પોતે જ બધું કરતા હોય એવી છાપ ઊભી કરી સરકારને નીચી દેખાડી રહ્યા છે.

ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠન સાથે કરતાં સામે હોવાનું બહાર આવતા દેખાય રહ્યું છે, જેમાં રેમડેસિવેર ઇન્જેક્શન હોય કે પછી હોસ્પિટલમાં ઓક્સિજન બેડની વ્યવસ્થા. ગુજરાતમાં કોરોના મહામારીના ભાજપ સરકાર અને સંગઠન વચ્ચે વિવાદો સર્જાઈ રહ્યા છે. ગુજરાતની નિર્દોષ પ્રજા કોરોનામાં હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને રેમડેસિવેર ઇન્જેક્શન માટે લાચાર બની રખડી રહી છે.

એ સમયે ભાજપ- પ્રમુખ બારોબાર રેમડેસિવેર ઇન્જેક્શન લાવીને સુરતમાં ફ્રીમાં વિતરણ કરવા લાગ્યા હતા, જેની સામે મુખ્યમંત્રીએ પણ નારાજગી વ્યક્ત કરી હતી, એ પછી પણ ઓક્સિજનની સમસ્યા સામે પણ રૂપાણી સરકાર ઝઝૂમી રહી હતી. ત્યારે ભાજપ-પ્રમુખ અને સંગઠનના નેતાઓ બારોબાર વ્યવસ્થા ગોઠવવા લાગ્યા હતા.

અત્યારના સમયમાં ગુજરાતમાં ઓક્સિજન બેડની વ્યવસ્થા કરવા સરકાર અલગ અલગ પ્લાનિંગ કરી રહી છે, ત્યારે ભાજપના નેતાઓ સેવાયજ્ઞના નામે બારોબાર ઓક્સિજન બેડ સાથેના કોવિડ કેર સેન્ટર બનાવી રહ્યા છે. ભાજપ સંગઠન દ્વારા સેવાયજ્ઞના નામે ઊભી કરવામાં આવતી વ્યવસ્થા પહેલા સરકાર સાથે સંકલન કર્યું હોય એવું લાગતું નથી, કેમ કે સરકારની વ્યવસ્થાનો ભાગ બનવાને બદલે અલગ ચીલો ચાતરી ભાજપ સંગઠનના પ્રમુખથી માંડીને બીજા નેતાઓ પ્રચાર કરવા લાગી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *