GUJARAT RAJKOT

“રાજકોટ ભગવાન ભરોસે” ઓકસીજન ખરીદવા માટે 12 કલાક સુધી 5 કિલોમીટર લાંબી લાઈન

રાજકોટમાં ઓક્સિજન-સિલિન્ડર રિફિલિંગ માટે પાંચ જ એજન્સી છે અને એ પણ શહેરથી 15 કિ.મી. દૂર આવેલા શાપર વેરાવળ અને મેટોડા જીઆઈડીસીમાં જઈ રહ્યા છે.ઓક્સિજન ન મળતાં દર્દીઓની જ નહીં, તેમનાં સ્વજનોની હાલત કફોડી બને છે.તરત જ રિફિલિંગ નથી થતું, પણ કતારમાં ઊભું રહેવું પડે છે.સવારથી લાઈનમાં ઊભા હોઈએ ત્યારે છેક 12 કલાકે સાંજે વારો આવે છે. જે સિલિન્ડર રિફિલ થયું હોય એ માંડ 15થી 24 કલાક દર્દીની હાલત મુજબ ચાલે અને ફરીથી સ્વજનોએ પ્રાણવાયુ માટે દોડવું પડે છે.

આ સ્થિતિ એટલી ગંભીર છે કે દર્દીઓનાં સ્વજનો માનસિક રીતે પડી ભાંગ્યાં છે અને કર્ફ્યૂ હોવા છતાં આખી આખી રાત અલગ અલગ સંસ્થાઓ અને કંપનીઓ પાસે જઈને એક-એક સિલિન્ડર માટે હાથપગ જોડી રહ્યા છે. શાપરના ત્રિશૂલ ઓક્સિજન નામના રિફિલિંગ સેન્ટર પર જતાં લોકોની પીડા જોવા મળી હતી.શાપરના રિફિલિંગ પાસે દરરોજ 150થી 200 લોકો કતારમાં હોય છે. આવાં અલગ અલગ 5 સેન્ટર મેટોડા અને શાપરમાં છે, એટલે કે શહેરથી 15 કિ.મી. દૂર 500-500 લોકો ઓક્સિજન માટે દોડતા જોવા મળે છે. રાત હોય કે સવાર, લોકોની લાઇન લાગેલી જ હોય છે.

ઔદ્યોગિક વિસ્તારોમાં તડકા વચ્ચે શેકાતા હોય છે લોકો. કલાકો ઊભા રહ્યા બાદ ફેક્ટરીના ગેટ સુધી પહોંચાય છે. કમ્પાઉન્ડમાં કોઇને આવવાની મંજૂરી નથી અપાઈ, તેમનાં સિલિન્ડર ફેક્ટરીમાં લઈ લેવાય છે અને પછી વળી કલાકો રાહ જોવાની હોય છે કે તેમનું સિલિન્ડર ભરાયું છે કે નહિ.
રાજકોટના પ્રેમ વાસદેવાણી જણાવે છે, તેમનાં બહેન, તેનાં માતા-પિતા કોરોનાગ્રસ્ત છે. બેડ ન મળતાં પરિવારની સારવાર ઘરે જ કરવી પડે છે. સતત બે દિવસ મેટોડા ખાતે આવી બાટલાને રિફિલ કરાવવા માટે વહેલી સવારથી લાઈનમાં ઊભું રહેવું પડે છે. ત્યારે જઈ સાંજના સમયે વારો આવે છે. મહેન્દ્ર ચાવડા જણાવે છે, તેમના ઘરે કાકા અને કાકી હોમ આઈસોલેટ છે, પૂરતું ઓક્સિજન મળી રહે તે માટે રાત-દિવસ લાઈનમાં ઊભું રહેવું પડે છે, 400 રૂપિયાના રિફિલિંગ માટે વારો ક્યારે આવશે એ પણ અનિશ્ચિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *