SURAT

હવે તો હદ થઈ: કોરોનાના કપરા કાળમાં સુરતમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના છોકરાએ કર્યું શરમજનક કૃત્ય

ભાજપના પૂર્વ કોર્પોરેટર સાધના પટેલનો પુત્ર દિવ્યેશ પટેલે વેપારીને આપેલા એકસપાયરી ડેટવાળા રેમડેસિવિર ઇન્જેકશનો પરત લઈ અન્ય દર્દીઓને આપી દેવાની ફિરાકમાં હતો. જોકે આ પહેલા જાગૃત નાગરિકે દિવ્યેશને ઇન્જેક્શન લેવા યોગીચોક બોલાવી પોલીસના હાથે પકડાવી દીધો હતો.

પૂછપરછમાં દિવ્યેશે પોલીસને તેને આ ઇન્જેકશનો વિશે કઈ ખબર ન હોવાનું જણાવ્યું હતું. જો કે દિવ્યેશ રેમડેસિવિર ઇન્જેકશનો વિશાલ અવસ્થી પાસેથી લીધા ત્યારે વિશાલે એકસપાયરી ડેટ હોવાની વાત કરી ડોકટરને પૂછીને લેવા કહ્યું હતું. વેપારીએ એકસપાયરી ડેટવાળા ઇન્જેક્શન બાબતે વાત કરી તો દિવ્યેશ આવતીકાલે રૂપિયા આપી ઇન્જેકશનો લઈ જવાની વાત કરી હતી. જાગૃત નાગરિકે દિવ્યેશ સાથે વાત કરી હતી. દિવ્યેશે ઓનલાઇન ગુગલ પેથી 42 હજારની રકમ મોકલી આપી બીજા દિવસે ઇન્જેકશનો લેવા આવવાની વાત કરી હતી.

દિવ્યેશ પટેલ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર સાધના પટેલનો પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ પૂછપરછમાં દિવ્યેશ પાસે અન્ય આઠ જેટલા ઇન્જેક્શનો મળી આવ્યા હતાં. આ ઇન્જેક્શનો તે ક્યાંથી લાવ્યો હતો, તે અંગે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં કયા-કયા દર્દીના સંબંધીઓને તેણે ઇન્જેકશન આપ્યા છે. તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

વિશાલ અવસ્થીની પૂછપરછમાં તેણે જણાવ્યું કે, દિવ્યેશ પટેલને ઇન્જેક્શન આપતી વખતે મેં સ્પષ્ટતા કરી હતી કે, ઇન્જેક્શન એક્સપાયરી ડેટના છે. પરંતુ ક્રાઈમ બ્રાન્ચને શંકા છે કે, તે પોતાના બચાવ માટે આ પ્રકારના નિવેદનો કરી રહ્યો છે.

ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી આર.આર. સરવૈયા જણાવ્યું કે, કોરોના સંક્રમણ દરમિયાન ડુપ્લિકેટ ઇન્જેક્શનો દર્દીના જીવન સાથે ચેડાં કરે છે. પોલીસ કમિશનર સાહેબે સુચના આપી હતી કે, શહેરમાં બ્લેકમાં કે બોગસ વેચાતાં ઇન્જેક્શનો ઉપર ખાસ વોચ રાખવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને અમે દિવ્યેશ પટેલ અને વિશાલ અવસ્થીની ધરપકડ કરી છે.દિવ્યેશને કોર્ટમાં રજૂ કરતાં ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે અને વિશાલ અવસ્થીને આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *