INDIA INTERNATIONAL

પટેલ સમાજનું ગૌરવ : સાઇન્ટીસ્ટ નીતાબેન પટેલ(સોજીત્રા) અમેરિકામાં બનાવી રહ્યા છે કોરોનાની દવા

ડો. નીતા પટેલ સાત સમુંદર પાર પોતાના કામ થકી વિશ્વને કોરોનાથી મુક્ત કરાવવામાં પોતાનો જંગી ફાળો આપી રહ્યાં છે.કોરોના વાઇરસની વેક્સિન બનાવી રહેલી અમેરિકાની ‘નોવાવેક્સ’ નામની ફાર્માસ્યુટિકલ કંપનીમાં આ ગુજરાતી મહિલા વેક્સિન ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં સિનિયર ડાયરેક્ટર તરીકે સક્રિય છે. આ કંપનીની વેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ પાંચ મહિના પહેલાં બ્રિટન અને સાઉથ આફ્રિકામાં ચાલી હતી.

રોમાંચક વાત એ છે કે આ વેક્સિન તૈયાર કરવા અમેરિકન સરકાર તરફથી નોવાવેક્સ કંપનીને 1.6 બિલિયન ડોલરની સહાય મળી છે. આ વેક્સિન ડેવલપમેન્ટના પાયામાં રહેલાં 56 વર્ષીય ડો. નીતા પટેલ વિશે તેમના બોસ એક જ વાક્ય કહે છે, ‘શી ઇઝ જિનિયસ.’ આણંદ જિલ્લાના સોજિત્રા ગામે જન્મેલાં નીતાબહેન માંડ ચાર વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાને ટીબી થયો. એક તબક્કે મોતના મુખમાં પહોંચી ગયેલા પિતાને આ રોગથી રીબાતા જોયા હતા.

પરિણામે તેમના પિતા ફરી વાર કામે ચડી શક્યા નહીં અને પરિવાર કારમી ગરીબીમાં ધકેલાઈ ગયો. નાનપણમાં જ પિતાની કહેલી એક વાત નાનકડી નીતાએ ગાંઠે બાંધી લીધેલી કે મોટા થઇને ડોક્ટર બનવું અને ટીબીની દવા શોધવી. પરિવારની આર્થિક સ્થિતિ એવી ખરાબ કે રોજ ઉઘાડા પગે એકનાં એક કપડાં પહેરીને સ્કૂલે જવું અને બસના ભાડાના પૈસા પણ પાડોશી પાસેથી માગવા પડે, પરંતુ આ કઠણાઈઓ નીતા પટેલને તેમનાં ધ્યેય પરથી ચલિત કરી શકી નહીં. ભણવામાં તેજસ્વી એટલે એક પછી એક ધોરણની સીડીઓ પણ ફટાફટ ચડતાં ગયાં.

સરકારી શિષ્યવૃત્તિઓએ પણ તેમનો રાહ આસાન કરી આપ્યો. નીતાબહેનની યાદશક્તિ ‘ફોટોગ્રાફિક’ છે. એટલે કે તેમની આંખ સામે એક વાર કોઈ વાહનની નંબર પ્લેટ કે ટેલિફોન નંબર આવી જાય, એટલે તેમના દિમાગમાં એ કાયમ માટે કોતરાઈ જાય! એ પછી તેમણે એક નહીં, પણ ડબલ માસ્ટર્સ ડિગ્રી મે‌ળવી, એક ભારતમાં અને બીજી અમેરિકામાં. એ પણ અનુક્રમે એપ્લાઇડ માઇક્રોબાયોલોજી અને બાયોટેક્નોલોજીમાં અને આ સાથે સોજિત્રાની નીતા ડો. નીતા પટેલ બની ગયાં. પછી તો તેઓ અમેરિકાના જ એક બાયોકેમિસ્ટ સાથે લગ્ન કરીને ત્યાંના મેરીલેન્ડ રાજ્યના ગેઇધર્સબર્ગ ખાતે સ્થાયી થયાં અને જોબ શોધવાનું શરૂ કર્યું, પરંતુ સોજિત્રામાં પિતાને આપેલું વચન તેઓ ભૂલ્યાં નહોતાં.

એમને ટીબી પર રિસર્ચ કરતી કંપનીમાં એ જ પ્રોજેક્ટ પર કામ કરવું હતું. ખાસ્સી મહેનત પછી એમને ‘મેડઇમ્યુન’ નામની એક નાનકડી કંપનીમાં કામ મળ્યું. આ કંપની કરતાં ક્યાંય વધારે પગાર તેમને બીજે મળતો હતો, પરંતુ આ પ્રોજેક્ટ તેઓ કોઈ કાળે છોડી શકે તેમ નહોતાં. 1990માં તેમણે આ જોબ સ્વીકારી ત્યારે એ કંપનીમાં તેઓ માત્ર 16મા એમ્પ્લોઇ હતાં. અત્યારે જોકે મેડઇમ્યુન કંપનીને એસ્ટ્રાજેનેકા (કોવિશીલ્ડ વેક્સિન બનાવનારી કંપની)એ ખરીદી લીધી છે.

ડો. નીતાએ આ નિષ્ફળતામાં અવસર જોઇને નોનાવેક્સ જોઇન કરી લીધી. નવેમ્બર-2019થી કોરોનાએ ચીનના વુહાનની હદ વટાવીને દુનિયાભરમાં પોતાનો પંજો ફેલાવવાનો શરૂ કરેલો. ફેબ્રુઆરી-2020 મહિના સુધીમાં ભારત સહિત વિશ્વના ભલભલા દેશો જ્યારે આ ‘SARS-CoV-2’ એટલે કે નોવેલ કોરોના વાઇરસને ઓળખી રહ્યા હતા, ત્યારે ડો. નીતા પટેલે તેનું મારણ શોધવાની દિશામાં નક્કર પ્રયાણ કરી લીધેલું. તમામ મહિલા સાયન્ટિસ્ટોની બનેલી ડો. નીતાની ટીમે પ્રયોગશાળામાં 20 જેટલા પ્રોટીનનાં વર્ઝનનું ટેસ્ટિંગ કરી નાખેલું, જે શરીરને કોરોનાની સામેના પ્રતિકારક એન્ટિબોડીઝ તૈયાર કરવામાં મદદ કરતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *