GUJARAT SURAT

ઘોર બેદરકારી, સુરતમાં તાપી નદી પરનો કોઝ વે ઓવરફ્લો થતા આટલા બધા લોકો…

ગુજરાતના સુરત શહેરમાં ધીરે ધીરે કોરોના સંક્રમણ ઉપર અંકુશ આવવાના સમાચાર વહેતા થતાંની સાથે જ લોકો ફરી ગંભીર રહેવાને બદલે બેદરકારી દાખવી કોરોના ગાઇડલાઇનનું સતત ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે.

તાપી નદી પરના વિયર કમ કોઝ-વે પર લોકો મોટી સંખ્યામાં આંટો મારવા નીકળી પડ્યા હતાં. રવિવારની રજામાં સુરતીઓ જાણે મોજ-મસ્તી કરવાના મૂડમાં હોય તેમ વિયર કમ કોઝ -વે પર મિત્રો સાથે ફરી રહ્યા હતાં. સુરતીઓ સ્વભાવ પ્રમાણે હરવા-ફરવાનું અને મોજમસ્તી કરવાની તક મળે તો તેને તે જોખમ લઈને પણ એ માણી લેતા હોય છે.જે હાલના સમયમાં જોખમ કારક સાબિત થઈ શકે છે.

વહીવટી તંત્ર દ્વારા વિયર કમ કોઝવેમાં ઉકાઇ ડેમમાંથી 17000 ક્યૂસેક કરતાં વધારે પાણી છોડવામાં આવ્યું હતું. પાણી છોડાતા કોઝવેમાંથી ગંદુ પાણી ધોવાઇ ગયું હતુ અને નવા નીર કોઝવેમાં આવ્યા હતા. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ઓવરફલો થતા કોઝવે ભર ઉનાળે ઓવરફલો થઇ જતા લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું. ચોમાસા દરમિયાન પણ જ્યારે ઉકાઈ ડેમમાં પાણીનું સ્તર વધતું હોય છે ત્યારે ઉકાઇ ડેમમાંથી છોડવામાં આવતા પાણી ને કારણે કોઝ-વે ઓવરફ્લો થઈ જતો હોય છે.

તમામ કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવતા હતા. તેમજ કોઝવેની આસપાસ પણ લોકોને ન જવા માટે ચેતવણી આપવામાં આવતી હતી. પરંતુ એવી સ્થિતિમાં પણ જોખમ ખેડીને કોઝવેના દ્રશ્યો જોવા માટે સુરતીઓ ઉમટી પડતા હતા.

કોરોના સંક્રમણના કેસો થોડે ઘણે અંશે ઘટી રહ્યા છે. પરંતુ જો સુરતીલાલાઓ કાળજી રાખ્યા વિના ટોળાની જેમ એકત્રિત થતા રહેશે તો ફરીથી એપ્રિલ મહિના જેવી સ્થિતિ સુરતમાં ફરી ઉભી થઇ શકે છે. કોર્પોરેશન દ્વારા અત્યારે પણ ટેસ્ટિંગની પ્રક્રિયા યથાવત રાખી છે. એવા સમયે જ્યારે થોડા પણ અનુશાસનમાં રહીને ગાઈડ લાઈનનું પાલન કરે તો શહેરની સ્થિતિ હજુ પણ સુધરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *