GUJARAT

આ વર્ષે વહેલું ચોમાસું, કાલથી 2 દિવસમાં ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ, જાણો

ગુજરાતમાં તાઉ-તે વાવાઝોડા બાદ ફરી ગરમીનો પ્રકોપ વધ્યો છે, જેને કારણે મોટા ભાગનાં શહેરોમાં ઉકળાટ તેમજ બફારો વધતા લોકો પરશેવે રેબઝેબ થવા લાગ્યા છે. જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 15થી 20 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય એવી શક્યતા છે. ગત વર્ષે ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં અંદાજે 44.77 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું હતું કે આગામી 27 મેથી 2 જૂનની વચ્ચે નૈઋત્યના ચોમાસાનું કેરળમાં આગમન થઈ શકે છે, જ્યારે 22 મેથી આંદામાનના સમુદ્ર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવવાનું શરૂ થઈ શકે છે અને આગામી 26 મે સુધીમાં ઓડિશા-પશ્ચિમ બંગાળ પાસે પહોંચી શકે છે, એટલે આ સ્થિતિને જોતાં એવું માની શકાય કે ગત વર્ષ કરતાં નૈઋત્યના ચોમાસાનું આ વર્ષે વહેલું આગમન કરી શકે છે.

પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી 23 અને 24 મેના રોજ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે ડાંગ, તાપી, આણંદ, પંચમહાલ, ખેડા, ભાવનગર, અમરેલીમાં મેઘમહેર જોવા મળશે.

હવામાન વિભાગે કહ્યું હતું કે એના અંદાજમાં આ વર્ષે અલનીનો અથવા લા નીનોની કોઈ અસર જોવા મળશે નહીં. તેમણે દેશના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસામાં વરસાદ સામાન્ય રહેવાનો અંદાજ આપ્યો છે. હવામાન વિભાગે મેમાં સમગ્ર સીઝન સિવાય જૂન અને સપ્ટેમ્બરનો માસિક અંદાજ જાહેર કર્યો છે.

હવામાન વિભાગ પહેલાં પ્રાઈવેટ એજન્સી સ્કાઈમેટે ચોમાસાનો અંદાજ જાહેર કર્યો છે. હવામાન વિભાગે જે અંદાજ આપ્યો છે એ પ્રમાણે જૂનથી સપ્ટેમ્બર સુધી લોંગ ટર્મ એવરેજના 96થી 98 ટકા વચ્ચે વરસાદ રહી શકે છે. જે વર્ષે 96થી 104 ટકા સુધી વરસાદ થાય છે એ વર્ષે ચોમાસું સામાન્ય માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *