SURAT

ક્યારે ન્યાય મળશે ? તક્ષશિલા અગ્નિ કાંડ ના કેસ ના આજે 2 વર્ષ પૂરા પણ હજુ સુધી….

સુરતના સૌથી ચર્ચાસ્પદ તક્ષશિલા અગ્નિકાંડને આજે બે વર્ષ પૂરા થશે. ફરિયાદ પક્ષના વકીલ પિયુષ માંગુકિયાએ કહ્યું કે, આ કેસની ટ્રાયલ તો ઠીક પણ બે વર્ષ થવા છતા આરોપીઓ સામે ચાર્જફ્રેમ પણ થયો નથી. અત્યાર સુધી આ કેસમાં સંડોવાયેલા 14 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેમાંથી 9ને તો જામીન મળી ગયા છે અને તેઓ પોતપોતાની ફરજ પર હાજર થઇ ગયા છે. જ્યારે પાંચ આરોપી હજુ પણ જેલમાં છે. બિલ્ડરોની પત્નીને આરોપી બનાવવી કે નહીં તે અંગે કોર્ટમાં લડત ચાલી રહી છે.

આ તમામ પરીસ્થિતિ વચ્ચે બાળકો ગુમાવનારા વાલીઓ ઘટનાના દિવસે જ્યાં ઉભા હતા આજે પણ ત્યાં જ ઉભા હોવાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ચાર્જફ્રેમ નહીં થવાના કારણો પણ ગળે ઉતરી શકે તેવા ન‌થી. ચાર્જફ્રેમ નહીં થવા પાછળ કહેવાય છે કે આરોપીઓએ જુદા જુદા તબક્કે કેસમાંથી મુક્ત થવા ડિસ્ચાર્જ અરજી કરી હતી.

આ ઉપરાંત કેટલીક વખત તમામ આરોપીઓને એકસાથે કોર્ટમાં હાજર રાખવા માટે પૂરતો પોલીસ જાપ્તો મળ્યો ન હતો અને સૌથી મોટું કારણ એ બતાવવામાં આવી રહ્યું છે કે કોરોનાને કારણે ચાર્જફ્રેમ કરવામાં આવ્યો નથી. જોકે આ જ કોરોના કાળ દરમિયાન સેશન્સ કોર્ટમાં તક્ષશિલા સિવાયના અન્ય 20 જેટલા કેસમાં ચાર્જફ્રેમ થયા હતા.

ડિસ્ચાર્જ અરજીમાં 4 મહિના નીકળ્યા: આરોપીઓ જુદા-જુદા તબક્કે પકડાયા હતા. આથી જેમ પકડાયા તેમ ચાર્જશીટ થઇ. ત્યારબાદ આરોપીઓએ સમગ્ર ગુનામાથી છટકવા માટે ડિસ્ચાર્જ અરજી કરી. આરોપીઓ હાઇકોર્ટ ગયા અને ત્યાં પણ અરજી નામંજૂર થઈ. આ પ્રક્રિયામાં ચાર મહિનાનો સમય વીતી ગયો.

ચાર્જફ્રેમ પછી 226 સાક્ષી ચકાસાશે: ચાર્જફ્રેમનો સ્ટેજ પુરો થયા પછી સર તપાસ, ઉલટ તપાસનો દૌર શરૂ થશે. જેમાં 226 સાક્ષી ચકાસાશે. ચાર્જફ્રેમની પ્રોસિઝરમાં કોર્ટ આરોપીઓને પુછતી હોય છે કે આ ગુના કબૂલ છે. તો આરોપીઓ ના પાડતા હોય છે પછી જે તે રજિસ્ટરમાં સહિ કરતા હોય છે અને પછી ટ્રાયલ શરૂ થતી હોય છે.

ત્રણવાર પોલીસ જાપ્તો જ ન મળ્યો: એક પણ આરોપી ગેરહાજર રહે તો ચાર્જફ્રેમ અટકી જાય છે. આ કેસમાં એવું ત્રણવાર બન્યુ કે ચાર્જફ્રેમની તમામ તૈયારીઓ થઈ ગઈ. જામીન મુક્ત આરોપી કોર્ટમાં પણ આવ્યા પરંતુ પોલીસ જાપ્તો જ ન મળતા આરોપીઓ લાજપોર સેન્ટ્રલ જેલથી સુરત કોર્ટ સુધી ન આવી શક્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *