GUJARAT INDIA

સૌરાષ્ટ્ર નો શાહરૂખ ખાન ,શાહરૂખ ખાન નો હમશકલ આપણા સૌરાષ્ટ્ર ના આ જિલ્લા રહે છે ,જાણો કહાની

હાલમાં સોશિયલ મીડિયામાં શાહરુખ ખાન જેવા જ દેખાતા ઈબ્રાહિમ કાદરી નામના યુવકની તસવીરો વાઈરલ થઈ હતી. ઓરિજિનલ SRK અને ઇબ્રાહિમ બંનેની તસવીરો જોઈને લોકો પણ કન્ફ્યુઝ થયા હતા કે બેમાંથી સાચો શાહરુખ કયો છે! સોશિયલ મીડિયા પર ચર્ચા બાદ એ શાહરુખ ખાનના આ ડુપ્લિકેટને શોધી તેની સાથે વાત કરી હતી. તમને જાણીને નવાઈ લાગશે પણ શાહરુખ ખાનનો આ ડુપ્લિકેટ આપણા ગુજરાતના જ જૂનાગઢનો રહેવાસી છે. શાહરુખ જેવો દેખાવા માટે મહિને 25 હજાર રૂપિયાનો ખર્ચ કરનાર ઈબ્રાહિમ કાદરી સાથે ખાસ વાતચીત…

જૂનાગઢમાં ભાઈ-ભાભી સાથે રહેતા ઈબ્રાહિમ કાદરી મૂળ આર્ટિસ્ટ છે. તે એડવર્ટાઈઝિંગ તથા પેઈન્ટિંગ્સ બનાવે છે. ઈબ્રાહિમ કાદરીએ ‘દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું, ‘જ્યારે શાહરુખ ખાનની ‘દીવાના’ રિલીઝ થઈ ત્યારે મારા પરિવાર તથા મિત્રો મને શાહરુખ ખાન કહેતા હતા. પછી તો શાહરુખ ખાનની ‘ડર’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ જેવી ફિલ્મ આવી હતી. આ ફિલ્મ જોઈને મને આસપાસના લોકો શાહરુખ કહીને બોલાવવા લાગ્યા હતા. એ સમયે મારું વજન થોડું વધારે હતું, તો પણ મારી ડ્રેસિંગ સ્ટાઈલ જોઈને બધા શાહરુખ કહેતા હતા. ત્યારે મેં આ વાતને સહેજ પણ ગંભીરતાથી લીધી નહોતી. હું તો મારું કામ જ કરતો હતો. હું શાહરુખ ખાનની ફિલ્મ જોવા મિત્રો સાથે જતો હતો, પરંતુ ક્યારેય એવું વિચારીને નહોતો જતો કે હું શાહરુખ જેવો લાગું છું.’

વધુમાં કાદરીએ કહ્યું હતું, ‘2017માં શાહરુખ ખાનની ફિલ્મ ‘રઈસ’ આવી હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન દાઢી તથા મૂછમાં જોવા મળ્યો હતો. ફિલ્મ રિલીઝ થઈ, તેના થોડાં સમય પહેલાં જ મેં પણ આ જ રીતે દાઢી તથા મૂછ રાખી હતી. જોકે, મને ‘રઈસ’માં શાહરુખ પણ આવો દેખાય છે, તેની કંઈ જ ખબર નહોતી. ફિલ્મ રિલીઝ થઈ તો હું મિત્રો સાથે ફિલ્મ જોવા ગયો હતો. જ્યારે થિયેટરમાંથી બહાર આવ્યો ત્યારે લોકો મારી સામે ધારી ધારીને જોવા લાગ્યા હતા. થોડીવાર તો મને બહુ જ વિચિત્ર લાગ્યું કે લોકો કેમ આ રીતે સામે જુએ છે. સામાન્ય રીતે લોકો મને આ રીતે જોતા નહોતા. એટલે મને બહુ જ નવાઈ લાગી હતી. પછી મારા મિત્રોએ મને કહેવા લાગ્યા કે ફિલ્મમાં શાહરુખ ખાનને જોયા બાદ તને જોઈએ તો એવું જ લાગે છે કે તું શાહરુખ છો.

કાદરીએ આગળ કહ્યું હતું, ‘આ ઘટના બાદ મેં શાહરુખ ખાન જેવા અદ્દલોઅદ્દલ દેખાવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. મેં મારી બૉડી પર કામ કર્યું. મેં વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું. મને શરૂઆતમાં એક્ટિંગ કે ડાન્સ કંઈ જ આવડતું નહોતું. આ સાથે જ શાહરુખ ખાનની જેમ ડાન્સ, સ્ટાઈલ તથા બોલવાની પ્રેક્ટિસ ઘરમાં જ શરૂ કરી દીધી હતી. મેં યુ ટ્યૂબ ચેનલ પર આ બધું જોઈ જોઈને શીખવાનો પ્રયાસ કર્યો હતો. અત્યાર સુધી હું શાહરુખ ખાનની ફિલ્મ એક ચાહક તરીકે જોતો હતો, પરંતુ હવે મેં ફરીથી બધી જ ફિલ્મ જોવાની શરૂ કરી હતી. હું આ ફિલ્મમાં જોતો કે શાહરુખ કેવી રીતે સંવાદો બોલે છે, કેવી રીતે ડાન્સ કરે છે, સ્માઈલ સહિતની નાનામાં નાની બાબતો ધ્યાનથી શીખી હતી. અવાજ માટે પણ સારી એવી પ્રેક્ટિસ કરી હતી.’

કાદરીએ કહ્યું હતું, ‘2017માં IPLની કોલકાતા નાઈટ રાઈડર્સ તથા ગુજરાત લાયન્સ વચ્ચેની એક મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાઈ હતી. મિત્રે મારી ટિકિટ લીધી હતી અને અમે સાથે મેચ જોવા ગયા હતા. સ્ટેડિયમમાં મારી જેવી એન્ટ્રી પડી તો લોકો ભેગા થઈ ગયા હતા. લોકોએ મને શાહરુખ સમજી લીધો અને પછી તેમણે શાહરુખના નામની બૂમો અને ચિચિયારીઓ પાડવાની શરૂ કરી હતી. મારી આસપાસ લોકોની ભીડ જમા થઈ હતી. સૌથી નવાઈની વાત એ છે કે સામેના સ્ટેન્ડ પર જ રિયલ શાહરુખ ખાન મેચ જોતો હતો. લોકો મારી સાથે સેલ્ફી લેવા પડાપડી કરવા લાગ્યા હતા.

મને તો તે સમયે એમ જ થયું કે ‘આઈ એમ ધ કિંગ.’ મેં કલાક સુધી બધા સાથે સેલ્ફી પડાવીને બધું કર્યું હતું. કલાક સુધી મેં કોઈને કહ્યું જ નહોતું કે હું શાહરુખ ખાન નથી, પરંતુ પછી મને ડર લાગવા લાગ્યો હતો. પછી મેં સિક્યોરિટીને આ વાત કરી હતી. પછી લોકલ પોલીસને કહ્યું કે હું સામાન્ય વ્યક્તિ છું અને લોકો મને શાહરુખ ખાન સમજી રહ્યા છે. તો પોલીસ પણ ફોન કાઢીને મારી સાથે સેલ્ફી લેવા લાગી હતી. આ જોઈને મનમાં થયું કે હવે મરી જ ગયા. પછી અમે મેચ જોયા વગર જ ત્યાંથી નીકળી ગયા હતા. લોકો અમારી પાછળ પાછળ આવવા લાગ્યા હતા. લોકોએ કારની પાછળ દોટ મૂકી હતી.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *