GUJARAT INDIA

85 દિવસ ના કરફ્યુ બાદ ગુજરાત માં ફરીથી આપવામાં આવી મોટી છૂટછાટ – જાણો અહી.

રાજ્ય સરકાર દ્વારા કોરોનાનું સંક્રમણ ઘટવાથી ગઈ કાલે કેટલાંક નિયંત્રણ હળવાં કરાયાં છે. હવે તમામ દુકાનો સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે. ઉપરાંત હોટલ-રેસ્ટોરાં પણ 50 ટકા ગ્રાહક સાથે ચાલુ રાખી શકાશે તેમજ મંદિર, જીમ, બાગ-બગીચાને પણ ખોલવાનો નિર્ણય લેવાયો છે, જેના કારણે શહેરમાં આવતી કાલ સવારના છ વાગ્યાથી મ્યુનિ. માલિકીના લો ગાર્ડન, પ્રહ્લાદનગર ગાર્ડન, પરિમલ ગાર્ડન, વસ્ત્રાપુર તળાવ સહિતના તમામ બાગ-બગીચા 85 માં દિવસે ખૂલે તેવી શક્યતા છે. બાગ-બગીચાની સાથે કાંકરિયા લેકફ્રન્ટના તોતિંગ દરવાજા પણ સહેલાણીઓ માટે અમુક નિયંત્રણોની સાથે ખૂલી શકે છે.

શહેરમાં કોરોના બેફામ બનતા તા. 18 માર્ચથી મ્યુનિ. સંચાલિત 283 બાગ-બગીચા, કાંકરિયા લેક અને ઝૂને અનિશ્ચિતકાલિન મુદત માટે બંધ રાખવાનો નિર્ણય મ્યુનિ. તંત્ર દ્વારા લેવાયો હતો. શહેરીજનોમાં કોરોનાનો ચેપ ફેલાતો અટકાવવા કમિશનર મૂકેશકુમારે આ મહત્ત્વપૂર્ણ લીધો હતો. આ પહેલાં મ્યુનિ. બાગ-બગીચા સવારના 6.30 વાગ્યાથી 9.00 વાગ્યા સુધી અને સાંજના 6.00 થી રાતના 9.00 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લા રખાયા હતા. જોકે ગત તા. 18 માર્ચથી બાગ-બગીચાને પૂરેપૂરા દિવસ માટે બંધ કરી દેવાયા હતા. આની સાથે અમદાવાદીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા કાંકરિયા લેકને પણ તબક્કાવાર આવતી કાલથી ખોલી દેવાય તેવી શક્યતા છે.

આજે બપોરે સંબંધિત અધિકારીઓ આ અંગે કમિશનરનું માર્ગદર્શન મેળવશે. જોકે ભાજપના શાસકો પણ બાગ-બગીચા અને કાંકરિયા લેકને લાગેલાં તાળાં ખોલી દેવાનાં સમર્થનમાં છે. શાસક પક્ષ દ્વારા આ અંગે તંત્ર સમક્ષ ભારપૂર્વક રજૂઆત પણ કરાશે.શહેરમાં બાગ-બગીચા આખો દિવસ બંધ રહેવાથી ખાસ કરીને સ્વાસ્થ્યપ્રેમીઓની કફોડી હાલત થઈ હતી. જૂનની શરૂઆતથી તંત્રના ચોપડે કોરોનાનું સંક્રમણ ઘટતાં મોર્નિંગ અને ઇવનિંગ વોકર્સની બાગ-બગીચાને ફરી ખોલી દેવાની માગણી બળવત્તર બની છે. ઉપરાંત આગામી તા. 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગદિવસે મ્યુનિ. બાગ-બગીચાઓ યોગપ્રેમીઓ માટે આશીર્વાદરૂપ બની શકે તેમ છે.

જ્યારે કાંકરિયા લેક ખાતે મિની ટ્રેન, કિડ્સ સિટી, એમ્યુઝમેન્ટ પાર્ક-1, નગીનાવાડી, વોટર એક્ટિવિટિઝ, નોકટર્નલ ઝૂ પરનો પ્રતિબંધ હમણાં કદાચ કાયમ રહેશે. મ્યુનિ. સત્તાવાળાઓ કાંકરિયા લેકના સહેલાણીઓને ફક્ત બાલવાટિકા અને બટરફ્લાય પાર્કનાં આકર્ષણની ભેટ આપે તેમ છે, કેમ કે ઝૂના મામલે સંબંધિત વિભાગને રાજ્યના વનવિભાગની મંજૂરી લેવી પડશે. આ મંજૂરી હજુ સુધી આવી નથી. જોકે મિની ટ્રેન, એમ્યુઝમેન્ટ પાર્ક વગેરે બંધ રાખવાથી કાંકરિયા લેકની રોનક ઘટશે.

સવારના ચાર વાગ્યાથી સાત વાગ્યાના સમયગાળામાં મોર્નિંગ વોકર્સને છૂટ અપાઈ છે.દરમિયાન, મ્યુનિ.ના 283 બાગ-બગીચા પૈકી 230અમૂલ હસ્તક છે, પરંતુ અમૂલ હસ્તકના બાગ-બગીચામાં જાળવણીના મામલે ભારે ધાંધિયાં જોવા મળે છે. તંત્ર નિયમાનુસાર અમૂલને પેનલ્ટી ફટકારે છે, પરંતુ શહેરના બાગ-બગીચાઓની જોઈએ તેવી સારસંભાળ લેવાતી ન હોઈ બાગ-બગીચા ફરીથી ખૂલવા જઈ રહ્યા છે ત્યારે અમૂલ હસ્તકના બગીચાની સફાઈના પ્રશ્ન ઊઠશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *