fact GUJARAT

14 મી જૂન એ અરવિંદ કેજરીવાલ અમદાવાદ આવશે ,પત્રકાર ઇસુદાન ગઢવી આપ માં જોડાશે ?

ગુજરાતના રાજકારણમાં નવા જૂનીનાં એંધાણ વર્તાઈ રહ્યાં છે. ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી માટે દરેક પક્ષ અત્યારથી કમર કસી રહ્યો છે. ગઈકાલે જ ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે. આગામી 15મી જૂને ભાજપની સંગઠનની બેઠક મળવાની છે. એ પહેલાં જ આજે પાટીદાર સમાજની મળેલી બેઠકમાં નરેશ પટેલે ‘આપ’નું ભવિષ્ય ઉજ્જવળ હોવાનું નિવેદન આપ્યું હતું.

બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદઘાટન કરવા માટે 14મી તારીખે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. એવામાં રાજ્યમાં મોટી રાજકીય ઊથલપાથલના સંકેત મળી રહ્યા છે. આ દરમિયાન ઘણાં નવાં ચહેરાં આમ આદમી પાર્ટીમાં જોડાશે. જો કે આમ આદમી પાર્ટી તરફથી કોઇના જોડાવા અંગે સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.

તેમના પ્રવક્તાના જણાવ્યા મુજબ કેજરીવાલ ગુજરાત પ્રદેશના પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા અમદાવાદ આવી રહ્યા છે. ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે આમ આદમી પાર્ટીનું સમર્થન કરતું નિવેદન કરતાં એ બાબત રસપ્રદ બની છે કે આપ પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે કોને પ્રોજેક્ટ કરે છે. કેજરીવાલની આ મુલાકાત ગુજરાત વિધાનસભા માટે આપની તૈયારીનો સંકેત છે. આપનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે વધુ લોકોને જોડવામાં આવશે. કેજરીવાલ વખતોવખત ગુજરાત આવશે તેવું સૂત્રોએ જણાવ્યુંં હતું.

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે. અમદાવાદના નવરંગપુરામાં 14મી જૂને આમ આદમી પાર્ટીના નવા કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવશે, જેના ઉદઘાટન માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવી રહ્યા છે. કેજરીવાલનું સવારે 10.20 કલાકે અમદાવાદમાં આગમન થશે. ત્યાર બાદ બપોરે તેઓ વલ્લભસદન ખાતે પ્રેસ-કોન્ફરન્સ કરશે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ પૂર્વ પત્રકાર ઇસુદાન ગઢવી પણ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. જોકે આ અંગેની સત્તાવાર જાહેરાત સોમવારે કેજરીવાલના આગમન બાદ જ થશે.

ગુજરાતમાં થઈ રહેલી રાજકીય ગતિવિધિઓ વચ્ચે આજે ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં કેબિનેટ મંત્રી કૌશિક પટેલ ભૂપેન્દ્ર યાદવને મળવા પહોંચ્યા હતા. એમાં ગોરધન ઝડફિયા, ભાર્ગવ ભટ્ટ અને એમ.એસ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આગામી 15મી તારીખે પ્રદેશ પાર્લમેન્ટરી બોર્ડની બેઠક યોજાશે અને ધારાસભ્યોની પણ બેઠક યોજાશે, જેમાં ભાજપના નેતાઓને બહાર નીકળવા સૂચના આપવામાં આવશે. કોરોનાની મહામારીમાં પ્રજામાં રોષ ભડકે તો શાંતિથી સાંભળી ઉકેલવાનું માર્ગદર્શન આપવામાં આવશે.

આજે ખોડલધામ કાગવડ ખાતે લેઉવા-કડવા પાટીદાર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ છે, જેમાં નરેશ પટેલે હતું હતું કે કોરોનાકાળમાં ક્યાંક ને ક્યાંક તંત્ર ફેલ થયું છે અને એ આપ સૌએ જોયું છે. ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી, પરંતુ હાલ ‘આપ’ જે રીતે આગળ વધે છે એનાથી ભવિષ્યમાં ‘આપ’નું વર્ચસ્વ હશે એવું મને લાગે છે. ‘આપ’એ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણાં સારાં કામ કર્યાં છે અને એની કામ કરવાની શૈલી પણ ઉમદા હોવાને કારણે એનું ભવિષ્ય ઘણું ઊજળું દેખાઈ રહ્યું છે, પરંતુ કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *