GUJARAT INDIA SURAT

પાટીદાર અગ્રણી નરેશ પટેલ નું મોટું નિવેદન ,ભાજપ ની ટીકા કરી અને આપ ના વખાણ કરતા કહ્યું કે…..

કાગવડ ખોડલધામ મંદિર ખાતે લેઉઆ અને કડવા પાટીદાર અગ્રણીઓની બેઠક પછી નરેશ પટેલ કોરોનામાં સરકારની કામગીરીની ટીકા કરી હતી તો દિલ્હી અને અન્ય રાજયોમાં આપે કરેલી કામગીરીના વખાણ કર્યા હતા. તેમણે પટેલ સમાજને કેશુબાપા જેવો આગેવાન મળ્યો નથી એમ કહીં આગામી મુખ્યમંત્રી પાટીદાર હોવો જોઇએ એવી નેમ વ્યકત કરી હતી. નરેશ પટેલના આ વિધાનોથી તેમનો રૂખ કયા રાજકીય પક્ષ તરફ રહેશે એ સ્પષ્ટ થઇ ગયું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, હવે ‘લેઉઆ’ અ્ને ‘કડવા’ એમ નહીં પણ ફકત પાટીદાર જ લખાશે.

‘સમાજની બેઠક’ના ઓઠા હેઠળ યોજાયેલી આ બેઠકમાં વાતો તો રાજકીય જ થઇ હતી અને ગુજરાતમાં રાજકીય ક્ષેત્રે પાટીદારોને તેમની શકિત પ્રમાણે પ્રાધાન્ય મળતું નથી. આથી આગામી ચંૂટણીમાં પાટીદાર સમાજની વ્યકિત સામે બીજો પાટીદાર ઊભો રહે ન રહે પરંતુ પાટીદારની જીત માટે જ તમામ પ્રયત્નો કરે તેવી વિચારણા કરવામાં આવશે એવું જણાવાયું હતું.

કોરોનાકાળમાં લોકોને આરોગ્ય સેવા પૂરી પાડવામાં કે ધંધા રોજગારની સ્થિતિમાં તંત્ર ક્યાંકને ક્યાંક ફેલ ગયાનો નરેશ પટેલે નિર્દેશ કરી સરકાર પર પરોક્ષ નિશાન તાંક્યું હતું, તો ગુજરાતમાં ‘આપ’ની એન્ટ્રી અંગે કહ્યું હતું કે, ગુજરાતમાં ત્રીજો મોરચો અગાઉ સફળ થયો નથી પરંતુ દિલ્હીમાં અને અન્ય રાજ્યમાં ‘આપ’ જે રીતે કામ કરી રહી છે તે જોતા તેનું ભવિષ્ય ઊજળું દેખાઇ રહ્યું છે.

નરેશ પટેલ સીધી રીતે હજુ સુધી ક્યારેય કોઇપણ ચૂંટણી લડ્યા નથી પરંતુ જ્યારે ચૂંટણી આવવાની હોય ત્યારે પાટીદારોનું પ્રભુત્વ વધે તેવી સંગઠનની તાકાત બતાવી છે. 2012માં ખોડલધામની શિલાપૂજન વિધિ, 2017માં હાર્દિક સાથે બેઠક અને હવે ફરી બેઠક કરી પ્રભુત્વ દર્શાવવા પ્રયાસ કર્યો છે.

આગામી વિધાનસભાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જંગ ખેલાશે તેવું નહીં બને, આપની એન્ટ્રી અને રાજ્યની તમામ બેઠકો પરથી ચૂંટણી લડવાની આપના નેતાઓએ અગાઉ કરેલી જાહેરાતને પગલે ત્રિપાંખિયો જંગ જામશે ત્યારે તમામ રાજકીય પક્ષો પાટીદાર નેતાઓ સાથે બેઠક યોજશે.

સ્થાનિક સ્વરાજ્યથી લઇ સંસદની ચૂંટણી વખતે પાટીદારો પોતાનું પ્રભુત્વ અને એકતા દર્શાવતા આવ્યા છે અને તેમાં નરેશ પટેલની દર વખતે મુખ્ય ભૂમિકા રહી છે, પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ ફરીથી તેમની નિષ્ક્રિયતા પણ જાણીતી છે. આગામી ચૂંટણી સુધી બેઠકો અને સામાજિક કાર્યક્રમોનો દોર વધશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *