fact INDIA

“બાબા કા ઢાબા” ના બાબા એ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો ,કારણ જાણી ને ચોંકી જશો

“બાબા કા ઢાબા” ના બાબા એ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો ,કારણ જાણી ને ચોંકી જશો એક વાઇરલ વીડિયોને કારણે દેશભરમાં લોકપ્રિય બનેલા ‘બાબા કા ઢાબા’ના માલિક કાંતા પ્રસાદે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.તેમને ગુરુવાર રાત્રે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસના જણાવ્યા મુજબ દારુ અને ઉંઘની ગોળીઓ ખાધા પછી તેઓ બેભાન થઈ ગયા હતા. તેમના પુત્રનું નિવેદન લેવાયું છે. હાલ સફદરજંગ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલે છે. પ્રારંભિક તપાસમાં પોલીસને આશંકા છે કે તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

દિલ્હીના માલવીયનગરમાં 80 વર્ષીય વૃદ્ધ યુગલ ‘બાબા કા ઢાબા’ ચલાવતું હતું, પરંતુ પ્રથમ લૉકડાઉન અને ત્યાર બાદની પરિસ્થિતિને કારણે યુગલ આર્થિક તંગીનો સામનો કરતું હતું. ત્યાર બાદ સ્વાદ ઓફિશિયલના ગૌરવ વાસને ​​​​ઉતારેલો આ યુગલનો વીડિયો દેશભરમાં વાઇરલ થયો હતો અને ‘બાબા કા ઢાબા’ પર લોકોની ભીડ ઊમટી પડી હતી, સાથે દેશભરમાંથી બાબાને મદદનો ધોધ વહ્યો હતો.

એક વાઈરલ વીડિયો બાદ અભિનેત્રી રવિના ટંડન, સોનમ કપૂર, સ્વરા ભાસ્કર સહિત ઘણી સેલિબ્રિટી બાબાના સપોર્ટમાં આવી હતી. આ સેલિબ્રિટીએ લોકોને તેમની મદદ કરવાની અપીલી કરી હતી. બાબાની તે સમયની સ્થિતિ જોઈને મોટી સંખ્યામાં લોકો તેમના ઢાબા ઉપર ઉમટી પડ્યા હતા.

બાબા ચર્ચામાં આવતાં ફૂડ બ્રાન્ડ પણ એકબીજા સાથે ખેંચતાણ કરવા લાગી હતી. વાઈરલ વીડિયોના પાંચેક દિવસ બાદ એક બ્રાન્ડ સવારે પોતાનું પોસ્ટર લગાવે છે તો બીજી બ્રાન્ડ બપોર સુધીમાં એ પોસ્ટર હટાવીને પોતાનું પોસ્ટર લગાવી દેતી હતી, પરંતુ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે બાબાએ પોતાને જ ફેમસ બનાવનારા યુટ્યૂબર ગૌરવ વાસન સામે જ પોલીસ ફરિયાદ નોંધાવી કે તેણે મારી સાથે નાણાકીય છેતરપિંડી કરી છે અને મને મળેલી મદદના પૈસા ચાઉં કરી ગયો છે. ત્યાર બાદ ઘણા લોકો બાબાને નફરતની નજરે જોવા લાગ્યા અને ધમકી પણ આપવા લાગ્યા હતા.

લોકપ્રિય બન્યા બાદ તેમણે પાંચ લાખ રૂપિયાનું રોકાણ કરીને રેસ્ટોરાં ખોલી હતી. તેમણે ત્રણ વ્યક્તિને કામે પણ રાખ્યા હતા. પરંતુ કોરોના મહામારીમાં બીજા રાઉન્ડમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાતા તેમને મહિને 1 લાખના ખર્ચ સામે 35 હજારની આસપાસ આવક થતી હતી. આવું લાંબો સમય આવતા તેમણે રેસ્ટોરાં બંધ કરવી પડી હતી.

બાબાને પોતાની ભૂલ સમજાતાં તેમણે ગૌરવની જાહેરમાં માફી માગી હતી, સાથે કહ્યું હતું કે ગૌરવનો હેતુ અમને મદદ કરવાનો હતો. રેસ્ટોરાં બંધ થયા પછી બાબા પોતાના ઓરિજિનલ ઢાબામાં પરત આવી ગયા હતા. તેમણે કહ્યું હતું કે હવે તેઓ પોતાના છેલ્લા શ્વાસ સુધી અહીં જ ઢાબા ચલાવતા રહેશે. સલામતી માટે તેમણે પોતાના અને પોતાની પત્ની બદામી દેવી માટે 20 લાખ રૂપિયા બચાવી રાખ્યા છે.

કાતાં પ્રસાદે કહ્યું હતું, ‘1960માં હું ઉત્તર પ્રદેશના આઝમગઢથી દિલ્હી આવ્યો હતો. શરૂઆતમાં હું શાહદરા રહેતો હતો. આને યુમાન પાર પણ કહેવામાં આવે છે. પછી 1988માં માલવીય નગરની ઝૂંપડપટ્ટીમાં આવીને રહેવા લાગ્યો. શરૂઆતમાં ફળોની લારી ચલાવતો હતો. ત્યારબાદ 1990માં લાઈસન્સ મળી ગયું તો ‘બાબા કા ઢાબા’ શરૂ કર્યું હતું.’

બાબાના પત્ની બદામી દેવીના જણાવ્યા પ્રમાણે અમારા લગ્ન થયા ત્યારે મારી ઉંમર ત્રણ વર્ષની હતી અને કાંતા પ્રસાદ પાંચ વર્ષના હતા. યુવાન થઈ ત્યારે આણું થયું હતું. સાસરે આવ્યાનાં થોડાં દિવસ બાદ જ અમે દિલ્હી આવી ગયા હતા. મને વિશ્વાસ હતો કે કાંતા પ્રસાદ અને હું કંઈક ને કંઈક જુગાડ કરી જ લઈશું. જ્યારે ‘બાબા કા ઢાબા’ શરૂ કર્યું તો હું શાક સમારતી અને કાંતા પ્રસાદ શાક બનાવતા હતા.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *